ગુજરાત સરકારશ્રીની છેલ્લા ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વ-સહાય જુથો/કારીગરો દ્વારા સ્વ-ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણના ઉદ્દેશથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથો/કારીગરોના ઉત્થાન માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં “જિલ્લા કક્ષા મેળા-૨૦૨૨” વ્યારા (તાપી) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વ્યે તા.૦૮-૦૬-૨૦૨૨ના રોજ રાજ્યકક્ષાના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશભાઇ પટેલનાં વરદ હસ્તે દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ વ્યારા ખાતે “તાપી જિલ્લા કક્ષા મેળા-૨૦૨૨”નો સાંજે ૫ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા, કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી તથા ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામ્ય સખી સંઘના પ્રમુખ ઉપસ્થિત રહેશે.
આ મેળો તાપી જિલ્લાનાં દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ વ્યારા ખાતે તા.૦૮/૦૬/૨૦૨૨ થી ૧૪/૦૬/૨૦૨૨ દરમિયાન જિલ્લા કક્ષાના મેળાનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ તથા રાજ્યના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથો (સખી મંડળો) કારીગરોને આત્મનિર્ભર મહિલા અને આત્મનિર્ભર ગામના સુત્રને સાર્થક કરવા બજાર વ્યવસ્થા પુરી પાડવા.
તેમજ તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલ કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી આવા સ્વ-સહાય જુથો/કારીગરોને પ્રોત્સાહિત કરવાના આશયથી જિલ્લા કક્ષા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૦૮/૦૬/૨૦૨૨ થી ૧૪/૦૬/૨૦૨૨ સુધી યોજાનાર જિલ્લા કક્ષા મેળા-૨૦૨૨ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત હસ્તકલા હેન્ડલુમ, ફુડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જુથો આ મેળાનો હિસ્સો બનશે અને તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજવસ્તુઓ મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ ઉપરાંત ૫૦થી વધુ સ્ટોલ દ્વારા ગ્રામિણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના વિવિધ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, બામ્બુક્રાફ્ટ, હેન્ડલુમ, ઓર્ગેનિક હર્બલ પ્રોડક્ટ, આર્ટીફિશિયલ જ્વેલરી, નારીયેળના રેશાની બનાવટો, વિવિધ પ્રકારનાં અથાણાં અને પાપડ અને મસાલાઓ તેમજ પારંપારિક જાત-જાતની વાનગીઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલનો પણ આ મેળામાં સમાવેશ કરાયો છે. જેનો તાપી જિલ્લાની જાહેરજનતાને લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા અનુરોધ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500